BISHKEKમાં પાકિસ્તાનને નિશાને લીધા બાદ મોદી ઇમરાન ખાનને મળ્યા

નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાન Image copyright MEA/India

ઉગ્રવાદના મુદ્દે પાકિસ્તાનને નિશાને લીધા બાદ બિશ્કેકમાં નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન વચ્ચે મુલાકાત થઈ. અગાઉ નરેન્દ્ર મોદી ઇમરાન ખાનને નહીં મળે તેવી વાત હતી.

નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન વચ્ચે લિડર્સ લૉન્જમાં અનૌપચારિક મુલાકાત થઈ હોવાનું ઇન્ડિયન એક્સપ્રેસે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહોમ્મદ કુરેશીના હવાલાથી જણાવ્યું છે.

પુલવામા હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાનની આ પ્રથમ મુલાકાત છે. અલબત્ત, આ અંગે હજી ભારત સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

એએનઆઈએ સૂત્રોના હવાલથી કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનનું સામાન્ય અભિવાદન કર્યું હતું.

અલબત્ત, આ અછડતી મુલાકાતમાં ઇમરાન ખાન અને નરેન્દ્ર મોદી વચ્ચે કોઈ સંવાદ થયો હોવાનો અહેવાલ હજી સુધી નથી.


ભાષણમાં મોદીએ પાકિસ્તાનને નિશાને લીધું

Image copyright Getty Images

આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઈજેશન સમિટમાં કહ્યું, "આતંકવાદના ભયને રોકવા માટે તમામ માનવતાવાદી તાકતોએ આગળ આવવાની જરૂર છે.

આ સાથે જ મોદીએ આડકતરી રીતે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે જે રાષ્ટ્રો આતંકવાદને પ્રોત્સાહન, સાથ અને નાણાં આપે છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.

મોદીએ કહ્યું કે સાહિત્ય અને સંસ્કૃતિ આપણા સમાજને હકારાત્મક રીતે જોડવાનું કામ કરે છે અને યુવાનોમાં થતા રેડિકલાઈજેશનને રોકવામાં મદદ કરવી જોઈએ.

નરેન્દ્ર મોદીએ પોતાની શ્રીલંકાની મુલાકાતને યાદ કરતા કહ્યું કે મેં મારી શ્રીલંકાની મુલાકાત દરમિયાન સેન્ટ એન્ટોની ચર્ચની મુલાકાત લીધી હતી. જ્યાં આતંકવાદે જે નિર્દોષ માણસોના જીવ લીધા તેનો હું સાક્ષી બન્યો હતો.

નરેન્દ્ર મોદીએ એસસીઓમાં ભારતની ભાગીદારી પર ભાર મૂક્યો હતો. એમણે કહ્યું કે ભારત એસસીઓનું કાયમી સભ્ય છેલ્લાં બે વર્ષથી બન્યું છે, અમે સંગઠનની તમામ કામગીરીમાં સક્રિય ભાગ લીધો છે. અમે એસસીઓના રોલને વધારવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ક્રૅડિબિલિટી વધારવા પ્રયત્નો કર્યા છે.

નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે છે તેમને એકલા પાડી દેવા જોઈએ.


પુતિન-જિનપિંગને ગળે મળ્યા પણ ઇમરાનથી અંતર

Image copyright Getty Images

નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાત કરી હતી.

નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મુલાકાત ફળદાયી રહી હોવાનું કહ્યું હતું.

શી જિનપિંગ સાથેની મુલાકાતમાં એમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદ મુક્ત માહોલ બનાવે એની જરૂર છે અને હાલ અમને એવું દેખાઈ નથી રહ્યું.

કિર્ગિસ્તાન પ્રમુખ સાથે ધંધાની વાત

Image copyright Getty Images

આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનના પ્રમુખની હાજરીમાં ઇન્ડિયા-કિર્ગિસ્તાન બિઝનેસ ફોરમનું ઉદ્દઘાટન કરતા એમને ભારતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "ભારત પોતાના દેશમાં વેપાર અને રોકાણ સમૃદ્ધિ માટે ઉત્તમ કનેક્ટિવિટી ઉપરાંત કુશળ કર્મચારીઓ, વ્યવસાયમાં સરળતા અને ડબલ ટૅક્સેશનમાં રાહત આપશે."

મોદીએ કહ્યું કે હાલમાં વેપાર અને આર્થિક કો-ઑપરેશન હોવું જોઈએ તેના કરતું ઓછું છે. પરંતુ હાલ બિઝનેસ ફોરમની જરૂરિયાતનો યોગ્ય સમય છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે 2016-17માં 24.98 મિલિયન અમેરિકન ડૉલરનો વેપાર થયો હતો. ભારતે કિર્ગિસ્તાનમાં 22.66 મિલિયન અમેરિકન ડૉલરની નિકાસ કરી હતી, જ્યારે કિર્ગિસ્તાને 2.32 મિલિયન ડૉલરની નિકાસ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ