World Blood Donor Day: રક્તદાન અંગેની આ માન્યતાઓ અને તેની હકીકતો જાણો છો?

બ્લડ ડોનેટ કરતી વ્યક્તિની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન મોટાભાગના દેશોમાં રક્તદાન પહેલા રક્તદાનના સ્થળે જ શરીરમાં હિમોગ્લૉબિનનું પરીક્ષણ કરવામાં આવે છે

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું છે તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે.

જોકે, રક્તદાન માટે કેટલીક ચેતવણી પણ છે જેનાથી રક્તદાનનો મામલો થોડો અઘરો બને છે અને તેનાથી ખોટા ભ્રમ અને માન્યતાઓ ઊભી થઈ જાય છે.

આવી જ કેટલીક માન્યતાઓ અંગે અમે વાત કરીશું અને જણાવીશું કે કેવી રીતે આ માન્યતાઓ ખોટી છે.


શાકાહારી લોકો રક્તદાન કરી શકતા નથી

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

આ ચિંતા શરીરમાં આયર્નની ખામીના કારણે વ્યક્ત કરવામાં આવે છે. આયર્ન લોહીમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટક છે.

મુખ્ય ચિંતા એવી હોય છે કે શાકાહારી લોકોને તેમના ખોરાકથી ઓછું આયર્ન મળે છે.

પરંતુ જ્યાં સુધી તમે યોગ્ય ભોજન લો છો, ત્યાં સુધી તમને શરીરમાં પુરતાં પ્રમાણમાં આયર્ન મળી જ રહે છે.

જો તમારા શરીરમાં આયર્નની ખામી છે, તો તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખતા તમને રક્તદાન કરવા દેવામાં નહીં આવે.

મોટાભાગના દેશોમાં રક્તદાન પહેલા સ્થળ પર જ હિમોગ્લૉબિનનું પરીક્ષણ કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિના લોહીમાં તેની ખામી હોય તો તેમને રક્તદાન કરવા દેવામાં આવતું નથી.


શરીર પર ટૅટુ હોય તો રક્તદાન ન કરી શકાય

Image copyright Getty Images
ફોટો લાઈન જે વ્યક્તિ ટૅટુ કરાવડાવે છે અથવા શરીરનો કોઈ ભાગ વિંધાવે છે તો રક્તદાન માટે થોડા દિવસ રાહ જોવી પડે છે

શરીર પર ટૅટુ હોય તો રક્તદાન કરવા પર પ્રતિબંધ લાગી જાય છે એવું લોકો કહે છે પણ ખરેખર એવું નથી.

વાત માત્ર એવી છે કે જ્યારે તમે ટૅટુ બનાવડાવો છો કે શરીરનો કોઈ ભાગ વિંધાવો છો અથવા તો તમે દાંતના ડૉક્ટર પાસે જાવ છો, તો તમારા રક્તદાન માટે થોડી રાહ જોવી પડે છે.

WHOની ગાઇડલાઇન સલાહ આપે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ટૅટુ બનાવે છે, તો તેમણે રક્તદાન કરવા માટે 6 મહિના સુધી રાહ જોવી યોગ્ય છે.

જ્યારે શરીરનો કોઈ ભાગ તમે વિંધાવો છો તો રક્તદાન કરવા માટે 12 કલાક રાહ જોવી અનિવાર્ય છે.

આ સિવાય જો કોઈ સામાન્ય પ્રક્રિયા માટે કોઈ વ્યક્તિ દાંતના ડૉક્ટરને મળે છે તો તેમણે રક્તદાન માટે 24 કલાક રાહ જોવી જોઈએ અને જો દાંતની કોઈ મોટી સર્જરી થઈ હોય તો તેમણે રક્તદાન માટે એક મહિના સુધી રાહ જોવી જરૂરી છે.


જો તમે બીમાર છો, ગર્ભવતી છો, ખૂબ નાના છો અથવા તો ખૂબ વૃદ્ધ છો તો રક્તદાન કરી શકતા નથી

Image copyright Thinkstock
ફોટો લાઈન ગર્ભવતી મહિલાઓમાં આયર્નનું સ્તર ઓછું હોવાથી તેમને રક્તદાન કરવા દેવામાં આવતું નથી

આ વાત સાચી છે. જે લોકોના બ્લડ રિપોર્ટમાં HIV (AIDS વાઇરસ), હેપેટાઇટિસ, ટીબી અને તેના જેવી બીજી ગંભીર બીમારીઓ હોય તે લોકો રક્તદાન કરી શકતા નથી.

જ્યારે કોઈ વ્યક્તિને શરદી હોય, ફ્લૂ કે ગળું ખરાબ હોય, પેટમાં ગડબડ હોય અથવા તો બીજા પ્રકારના કોઈ ચેપી રોગ હોય તો તે પણ તેમને રક્તદાન કરવાથી રોકવામાં શકે છે.

રક્તદાનના 14 દિવસ પહેલા સુધી તમને કોઈ પણ પ્રકારનો ચેપી રોગ ન હોવો જોઈએ.

જો તમે દવાઓ લઈ રહ્યા છો તો તે દવાઓ પૂર્ણ કર્યા બાદ તમારે 7 દિવસની રાહ જોવી પડશે અને પછી જ તમે રક્તદાન કરી શકશો.

દવાઓ મામલે જુદા જુદા દેશના તેના પોતાના નિયમો છે.

જો તમે ગર્ભવતી છો, સ્તનપાન કરાવી રહ્યાં છો અથવા તો હાલ જ બાળકને જન્મ આપ્યો છે અથવા તો તમારો ગર્ભપાત થયો છે, તો તમારે તમારાં શરીરમાં આયર્નનું સ્તર વધે ત્યાં સુધી રાહ જોવી પડી શકે છે.

ત્યારબાદ તમે રક્તદાન કરી શકો છો.

જોકે, પિરિયડ્સ અને રક્તદાન વચ્ચે કોઈ સંબંધ નથી.

રક્તદાન કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષ હોવી જરૂરી છે.

જોકે, રક્તદાન કરવા માટે વધારેમાં વધારે ઉંમર અંગે કોઈ આંકડો આપવામાં આવ્યો નથી. પરંતુ કેટલાંક દેશોએ 60-70 વર્ષ સુધીના જ લોકો રક્તદાન કરી શકે છે તેવો કાયદો લાગુ કર્યો છે.

પહેલી વખત રક્તદાન કરતા સમયે વધારે ધ્યાન રાખવુ જરૂરી છે, ખાસ કરીને એ દેશોમાં જ્યાં સંભવિત આયુષ્ય ખૂબ ઓછું હોય છે.


ખતરનાક ઍક્ટિવિટીનો ભાગ

Image copyright Getty Images
ફોટો લાઈન સમલૈંગિક વ્યક્તિ માટે રક્તદાન કરવું અઘરું બની રહે છે

જોવા જઈએ તો આખું જીવન જ ખરેખર ખતરાનો ભાગ છે. તેમાંથી કેટલાંક ખતરા છે કે જે તમને રક્તદાન કરવાથી રોકી શકે છે.

WHO કહે છે, "એક કરતાં વધારે પાર્ટનર સાથે સેક્સ કરવું, સેક્સ માટે પૈસા લેવા કે દેવા અથવા તો એક પુરુષ બીજા પુરુષ સાથે સંભોગ કરે તો તેવા લોકોએ રક્તદાન માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે."

ઇન્જેક્શનની મદદથી ડ્રગ લેનાર પર પણ રક્તદાન કરવા પર પ્રતિબંધ લાગી શકે છે.

આ સિવાય મચ્છરજન્ય રોગ જેમ કે મૅલેરિયા, ડેન્ગ્યૂ અથવા ઝીકાથી પીડિત લોકો પણ રક્તદાન કરી શકતા નથી.


તમારા શરીરનું લોહી સમાપ્ત નહીં થઈ જાય

Image copyright Getty Images
ફોટો લાઈન એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં લોહીનું આ પ્રમાણ તેઓ આગામી 24-48 કલાકમાં ફરી મેળવી લે છે

એક વયસ્ક વ્યક્તિના શરીરમાં આશરે 5 લિટર લોહી હોય છે. લોહીનું આ પ્રમાણ વ્યક્તિના વજન પ્રમાણે હોય છે. સામાન્યપણે એક વખત રક્તદાન કરવાથી તમારા શરીરનું 500 મિલીલિટર લોહી ઓછું થશે.

એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં લોહીનું આ પ્રમાણ તેઓ આગામી 24-48 કલાકમાં ફરી મેળવી લેશે.

એટલે કે..

  • જો તમે સ્વસ્થ છો
  • તમારું વજન ઓછામાં ઓછું 50 કિલો અને 160 કિલો કરતાં વધારે નથી.
  • તમારી ઉંમર 18થી 66 વર્ષની વચ્ચે છે (દેશ પ્રમાણે આ આંકડો બદલાય છે)
  • મહિલા ગર્ભવતી નથી અથવા તો સ્તનપાન કરાવતી નથી.
  • વ્યક્તિને HIV ઇન્ફેક્શન નથી
  • છેલ્લાં 1 વર્ષ દરમિયાન ખતરનાક પ્રવૃત્તિઓ કરી નથી

તો તમે રક્તદાન કરી શકો છો..