હાર્દિક પટેલે મોદી અને ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું ટ્વીટ કેમ ડિલીટ કર્યું?

હાર્દિક પટેલ

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પરથી ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા અંગેનું એક ટ્વીટ ડિલીટ કરી દીધું છે.

એક ટ્વીટમાં હાર્દિક પટેલે AN-32 ગુમ થવાના મામલે ચીનને દોષિત ગણાવ્યું હતું. જેના પર તેઓ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા.

હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું, "ચીન મુર્દાબાદ હતું અને મુર્દાબાદ રહેશે. ચીનને કહેવા માગીએ છીએ કે અમારું વિમાન AN-32 અને જવાનોને પરત આપો. મોદી સાહેબ તમે ચિંતા ના કરો અમે બધા તમારી સાથે છીએ. ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરો અને આપણા જવાનોને પરત લાવો.

હાર્દિક પટેલના આ ટ્વીટ પર ભાજપના નેતા અને મોદી સરકારમાં મંત્રી કિરણ રિજીજુએ જવાબ આપ્યો હતો.

તેમણે ટ્વીટ કરીને લખ્યું કે તમે કૉંગ્રેસ પક્ષના એક નેતા છો, તમને ખબર છે કે અરુણાચલ પ્રદેશ ક્યાં આવ્યું છે?


હાર્દિકે ટ્વીટ ડિલીટ કર્યું

Image copyright TWITTER/HARDIK PATEL

ભારતના ગુમ થયેલા ઍરક્રાફ્ટનો 11 જૂનના રોજ કાટમાળ મળી આવ્યો હતો. આ પ્લેન ગુમ થયા બાદ તેને શોધવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

જે બાદ આ ઍરક્રાફ્ટનો કાટમાળ ભારતના અરુણાચલ પ્રદેશમાંથી મળી આવ્યો હતો.

આ મામલે હાર્દિક પટેલના ટ્વીટને કારણે સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ ગુસ્સે ભરાયા હતા અને હાર્દિક પટેલને ટ્રોલ કર્યા હતા.

કેટલાક યૂઝર્સે હાર્દિક પટેલના આવા ટ્વીટ બદલ માફી માગવાની વાત કરી હતી અને કેટલાક તેમને પોતાનું જ્ઞાન વધારવાની સલાહ આપી હતી.

અંતે હાર્દિક પટેલે આ ટ્વીટને ડિલીટ કરી દીધું હતું, જોકે આ મામલે તેમણે કોઈ ખુલાસો કર્યો નથી.


ટ્વિટરને લઈને હાર્દિક પહેલાં પણ વિવાદમાં

Image copyright TWITTER/HARDIK PATEL

પાટીદાર અનામત આંદોલનને લઈને ગુજરાતમાં યુવા નેતા તરીકે ઊભરેલા હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં જોડાયા હતા.

હાર્દિક પટેલ આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર બેરોજગારી અને નોકરીઓને લઈને પ્રહાર કરતા હતા.

ભાજપે 'મેં ભી ચોકીદાર' કૅમ્પેન લૉન્ચ કર્યું હતું, જે બાદ વડા પ્રધાન મોદી સહિત ભાજપના નેતાઓએ પોતાના નામ આગળ 'ચોકીદાર' શબ્દ લગાવ્યો હતો.

આ કૅમ્પેન બાદ હાર્દિક પટેલે ટ્વિટરમાં પોતાના નામ આગળ 'બેરોજગાર' શબ્દ લગાવ્યો હતો. જોકે, કૉંગ્રેસમાં જોડાયાના થોડા સમય બાદ તેમણે આ શબ્દ હટાવી લીધો હતો.

નામ આગળથી બેરોજગાર હટાવવાની વાત મીડિયામાં પણ ચર્ચાઈ હતી અને સોશિયલ મીડિયામાં પણ લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા.


AN-32 ક્યાં ગુમ થયું હતું?

Image copyright Reuters

ભારતીય વાયુસેનાના AN-32 ઍરક્રાફ્ટે 3 જૂનના રોજ બપોરે 12.27 વાગ્યે આસામના જોરહાટથી ઉડાન ભરી હતી. જે બાદ તેની સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.

આ વિમાનમાં કુલ 13 લોકો સવાર હતા. આ ગુમ થયેલા વિમાનને શોધવા માટે વાયુસેનાએ મોટું સર્ચ ઑપરેશન ચલાવ્યું હતું.

વાયુસેના જોરહાટ અને અરુણાચલ પ્રદેશના મેચુકાના વચ્ચે ઈસરોની મદદથી વિમાનની શોધખોળ આદરી હતી.

11 જૂનના રોજ આ વિમાનનો કાટમાળ અરુણાચલ પ્રદેશમાંથી મળી આવ્યાની ભારતની વાયુસેનાએ જાહેરાત કરી હતી.

જોકે, 13 જૂનના રોજ વાયુસેનાએ ફરી જાહેરાત કરી હતી કે તેમની બચાવદળની ટુકડી વિમાન ક્રેશ થયું ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ 13 લોકોમાંથી એક પણ લોકોના મૃતદેહ મળ્યા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો