'બૉમ્બે બ્લડ ગ્રૂપ' : દુનિયાના સૌથી દુર્લભ બ્લડગ્રૂપની કહાણી

બ્લડ યુનિટ Image copyright Getty Images

પંદર વર્ષ પહેલાં સુધી બેંગલૂરુમાં રહેતા મહબૂબ પાશા વિચારતા હતા કે તેમનું બ્લડ ગ્રૂપ 'ઓ નૅગેટિવ' છે. તેમણે આ વિચાર સાથે ઘણીવાર રક્તદાન પણ કર્યું.

જોકે, એક દિવસ અચાનક તેમને ફોન આવ્યો અને એક વ્યક્તિએ તેમને કહ્યું કે તેમનું બ્લડ ગ્રૂપ 'ઓ નૅગેટિવ' નથી.

ફોન કરનારી વ્યક્તિએ તેમને જણાવ્યું કે તેમના જેવું બ્લડ ગ્રૂપ ધરાવતા લોકો જૂજ સંખ્યામાં જ હોય છે.

મહબૂબ પાશાએ ઘણાં વર્ષો પહેલાં સૅટ જૉન્સ હૉસ્પિટલમાં રક્તદાન કર્યું હતું, ત્યાં તેમનું નામ ડૉનર તરીકે નોંધાયેલું હતું.

હૉસ્પિટલમાંથી એક દિવસ તેમને અરવિંદ નામની વ્યક્તિનો ફોન આવ્યો.

તેમનાં પત્ની ગર્ભવતી હતાં અને તેમને 'બૉમ્બે' બ્લડ ગ્રૂપની જરૂર હતી. એ દિવસે અરવિંદ મારફતે તેમને પોતાના અસલ બ્લડ ગ્રૂપ અંગે ખબર પડી હતી.

અરવિંદે તેમને સલાહ આપી કે તેઓ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરવાની જગ્યાએ માત્ર તેમનું જ બ્લડ ગ્રૂપ ધરાવનારા માટે જ રક્તદાન કરે.

કેમ કે, આવા લોકો ઘણી મુશ્કેલથી મળે છે અને એકવાર રક્તદાન કર્યા બાદ ત્રણ મહિના સુધી ફરી રક્તદાન નથી કરી શકાતું.

મહબૂબ પાશાનું બ્લ્ડ ગ્રૂપ 'બૉમ્બે નૅગેટિવ' છે. બૉમ્બે બ્લડ ગ્રૂપ પૉઝિટિવ/નૅગેટિવ એક દુર્લભ બ્લ્ડ ગ્રૂપ છે.


લોહી ભારતથી મ્યાનમાર મોકલવામાં આવ્યું

Image copyright Getty Images

બૉમ્બે બ્લડ ગ્રૂપ ચર્ચામાં ત્યારે આવ્યું હતું જ્યારે તેના બે યુનિટ મ્યાનમાર મોકલવામાં આવ્યાં.

ત્યાં એક મહિલાની હાર્ટ સર્જરી થવાની હતી પરંતુ એ દેશમાં બૉમ્બે બ્લડ ગ્રૂપનું દાન કરી શકે એવી કોઈ વ્યક્તિ નહોતી.

ત્યારે મ્યાનમારના યાંગૂન જનરલ હૉસ્પિટલના એક ડૉક્ટરે ભારતમા 'સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન'નો સંપર્ક કર્યો.

આ ફાઉન્ડેશન બૉમ્બે બ્લડ બૅન્ક, ડૉનર્સ અને જરૂરિયાતમંદો વચ્ચે સંપર્ક સાધવાનું કામ કરે છે. BombayBloodGroup.Org વેબસાઇટ મારફતે આ પ્રક્રિયા કાર્ય કરે છે.

મ્યાનમારના કેસમાં ફાઉન્ડેશનના કર્ણાટકમાં આવેલી 'દાવણગેરે બ્લડ બૅન્ક'નો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમની પાસે આ બ્લડ ગ્રૂપના બે યુનિટ ઉપલબ્ધ હતા.

ત્યારબાદ તમામ ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ બે યુનિટ કુરિયરથી મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા.

ભારતથી 27 નવેમ્બરે મોકલવામાં આવેલા બે યુનિટ 29 નવેમ્બરે મ્યાનમાર પહોંચ્યા.


આ બ્લડ ગ્રૂપ આટલું દુર્લભ કેમ છે?

Image copyright Getty Images

મોટા ભાગે લોહીની જરૂર ઊભી થાય તો અન્ય દેશમાં સંપર્ક કરવામાં આવે એવું કદાચ જ બનતું હોય છે.

બ્લડ બૅન્કમાં અથવા આસપાસ જ કોઈ દાતા મળી જતા હોય છે. પરંતુ બૉમ્બે બ્લડ ગ્રૂપ મામલે આટલી મુશ્કેલીઓ કેમ આવે છે? આ બ્લડ ગ્રૂપ આટલું દુર્લભ કેમ છે?

આ વિશે સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનમાં બૉમ્બે બ્લડ ગ્રૂપનાં ઇન્ચાર્જ કુમારી અંકિતા જણાવે છે, "આ ખૂબ જ મુશ્કેલથી મળનારું બ્લડ ગ્રૂપ છે."

"ભારતમાં લગભગ દસ હજાર લોકોમાં એક વ્યક્તિમાં આ બ્લડ ગ્રૂપ જોવા મળે છે."

"આવા લોકોને શોધવા પણ મુશ્કેલ હોય છે કેમ કે સાધારણ બ્લડ ટેસ્ટમાં આ ગ્રૂપ વિશે જાણી નથી શકાતું. બ્લડ ગ્રૂપ 'ઓ' સાથે સંકળાયેલું હોવાથી તેને 'ઓ' પૉઝિટિવ/નૅગેટિવ માની લેવામાં આવે છે."

"આથી ઘણા લોકોને ખબર નથી હોતી કે તેઓ બૉમ્બે બ્લડ ગ્રૂપના છે."

"જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે જ તેમને ખબર પડતી હોય છે કેમ કે ત્યારે ઑ બ્લડ ગ્રૂપના દર્દીના લોહી સાથે તે મૅચ નથી કરતું."

જરૂરિયાતવાળી વ્યક્તિ અને દાતાનો સંપર્ક કઈ રીતે કરવામાં આ છે, આ મામલે અંકિતાએ જણાવ્યું, "અમારું એક નેટવર્ક છે જેમાં દાતા અને બ્લડ બૅન્ક સંપર્કમાં છે. અમારી સાથે 250 જેટલા દાતા જોડાયેલા છે જેઓ સ્વંયસેવક તરીકે જોડાયેલા છે."

"જો બ્લડ બૅન્ક પાસેથી લોહી નથી મળતું તો અમે ડોનર પાસેથી મદદ લઈએ છીએ."

"ત્યારબાદ દાતા ફાઉન્ડેશન સેન્ટર પર આવીને રક્તદાન કરે છે અને ત્યાંથી દર્દીના પરિચિત લોકો તેને લઈ જાય છે."

"મ્યાનમારનો કેસ પ્રથમ હતો જેમાં કુરિયર દ્વારા યુનિટ મોકલવામાં આવ્યા."

મહબૂબ પાશા પણ સંકલ્પ ફાઉન્ડેશન સંસ્થાના સ્વંયસેવક રહી ચૂક્યા છે.

એક દુર્લભ બ્લડ ગ્રૂપ સાથે જીવવું કેવું હોય છે આ વિશે પાશા કહે છે કે તેમને આ બાબત પર ગર્વ છે.

તેમણે જણાવ્યું, "હું જ્યારે એક વખત રક્તદાન કરીને આવ્યો તો ડૉક્ટર્સ મને એક સેલિબ્રિટીની જેમ મળ્યા અને તેમણે કહ્યું કે તમે(હું) ખુશનસીબ છું. અમને રક્તદાન કરવાની તક મળી રહી છે તે ઘણી ખુશીની વાત છે."


બીજા બ્લડ ગ્રૂપ કઈ રીતે અલગ છે?

Image copyright Getty Images

બૉમ્બે બ્લડ ગ્રૂપ અન્ય ગ્રૂપ કરતાં અલગ હોવા પાછળનાં ખાસ કારણો છે.

તેની તપાસ કરવા માટે સામાન્ય કરતાં અલગ રીત અપનાવવામાં આવે છે.

આ વિશે ગંગારામ હૉસ્પિટલમાં બ્લડ બૅન્કના ઇન્ચાર્જ ડૉ. વિવેક રંજન કહે છે, "અમારા લોહીમાં રહેલી રક્ત કણીકાઓમાં કેટલાક સુગરના અણુઓ પણ હોય છે."

"તેના આધારે જ કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ નક્કી થતું હોય છે.''

''તેનાથી જ કૅપિટલ એચ-ઍન્ટિજન બને છે. તેના બાકીને ઍન્ટિજન એ અને બી બને છે અને બ્લડ ગ્રૂપ નક્કી થાય છે."

"બૉમ્બે બ્લડ ગ્રૂપમાં સુગર અણુ નથી બનતા. આથી તેમાં કૅપિટલ એચ ઍન્ટિજન નથી હોતું અને તે કોઈ પણ ગ્રૂપમાં નથી આવતું."

"પરંતુ તેમાં પ્લાઝ્મા એ, બી અને એચ હોય છે. આ બ્લડ ગ્રૂપવાળાનું જીવન એકદમ સામાન્ય હોય છે. તેમને શારીરિક રીતે કોઈ સમસ્યા નથી હોતી."


બલ્ડ ટેસ્ટમાં ભ્રમ

Image copyright Getty Images

બૉમ્બે બ્લડ ગ્રૂપ, ઓ બ્લડ ગ્રૂપ કઈ રીતે જોડાયેલું છે, એ વિશે મૅક્સ હૉસ્પિટલમાં ટ્રાન્સફ્યૂઝન મેડિસિનમાં સિનિયર કન્સલટન્ટ ડૉ. અભિનવ કુમાર જણાવે છે, "જે લોકોમાં બૉમ્બે બ્લડ ગ્રૂપ હોય છે તેમાં એ, બી, એચ એન્ટિજન નથી હોતા."

"આથી બ્લડ ટેસ્ટમાં પણ એ, બી, એબી બ્લડ ગ્રૂપ નથી આવતું. આથી ઓ ગ્રૂપ હોવાનો ભ્રમ રહી જાય છે."

"પરંતુ વિસ્તારપૂર્વક તપાસ કરવામાં આવે તો એક 'ઓ સૅલ'ની તપાસ પણ થાય છે.

જો લોહી ઓ બ્લડ ગ્રૂપમાંથી હોય તો ટેસ્ટમાં રિઍક્શન નથી આવતું. પરંતુ બૉમ્બે બ્લડ ગ્રૂપમાં ઍન્ટિબૉડીઝ હોવાના કારણે આ 'ઓ' સેલની સાથે પણ રિઍક્શન આપે છે અને માલૂમ થાય છે કે બૉમ્બે ગ્રૂપ છે."

"તેની તપાસમાં ફોરવર્ડ અને રિવર્સ ટાઇપિંગ બન્ને કરવું જોઈએ. તે જાણવા માટે ઍન્ટિ કૅપિટલ એ લૅક્ટિન ટેસ્ટ પણ કરી શકાય છે."

Image copyright Getty Images

આ બ્લડ ગ્રૂપના લોકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોએ? આ અંગે ડૉક્ટર અભિનવે જણાવ્યું,

  • દરેક વ્યક્તિને સૌથી પહેલાં પોતાનું બ્લડ ગ્રૂપ ખબર હોવી જોઈએ
  • જો બૉમ્બે બ્લડ ગ્રૂપ હોય તો સેન્ટ્રલ બ્લડ રજિસ્ટ્રીમાં પોતાનું નામ દાખલ કરાવવું, જેથી જરૂર હોય ત્યારે તમને મદદ મળી શકે અને તમે કોઈને મદદ કરી શકો.
  • સાથે જ પોતાના પરિવાર અને સગા-સંબંધીઓનોનું પણ પરીક્ષણ કરાવવું જોઈએ, કેમ કે આ ગ્રૂપ આનુવંશિક છે.

કેમ કે, બૉમ્બે બ્લડ ગ્રૂપ દુર્લભ છે તો શું તેને લાંબો સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે?

આ અંગે ડૉક્ટર અભિનવ કહે છે કે ક્રાયો પ્રિઝર્વેશન નામની એક તકનિક છે જેમાં એક વર્ષ માટે લોહીને સુરક્ષિત રાખી શકાય છે.

તેમાં લોહીને નીચા તાપમાન પર સંગ્રહિત કરવામાં આવે છે.

પરંતુ ભારતમાં તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરે છે. જ્યારે સામાન્ય રીતે લાલ રક્ત કણિકાઓ 35થી 42 દિવસ માટે સંરક્ષિત રાખી શકાય છે.


નામ કેવી રીતે પડ્યું?

Image copyright Getty Images

તમામ બ્લડ ગ્રૂપ ઇંગ્લિશ વર્ણમાળા એ, બી અને ઓ નામ પરથી છે. પરંતુ આ બ્લડ ગ્રૂપ એક શહેરના નામ પરથી છે.

તેની પાછળનું કારણ એ છે કે તેની સૌથી પ્રથમ શોધ મહારાષ્ટ્રની રાજધાની બૉમ્બે (હાલ મુંબઈ)માં થઈ હતી.

ડૉ. વાયએમ ભેંડેએ વર્ષ 1952માં તેની શોધ કરી હતી.

આજે પણ આ બ્લડ ગ્રૂપના સૌથી વધુ લોકો મુંબઈમાં જ મળી આવે છે. તેનું કારણ આનુવંશિક છે અને એકથી બીજી પેઢીમાં તે પહોંચે છે.

જોકે, સ્થાનાનંતરણના કારણે હવે બૉમ્બે બ્લડ ગ્રૂપના લોકો સમગ્ર દેશમાં મળી આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો